તકલીફ બીજી કોઈ નથી બસ હજી તારાથી અલગ છું,
ગીલાશિકવા બીજી કોઈ નથી કે હજી ‘હું’ ના ભાવ જતા નથી.
ફરિયાદ બીજી કોઈ નથી કે આ શરીરનું ભાન ભુલાતા નથી,
આનંદ બીજો કોઈ નથી કે સચ્ચિદાનંદમાં રમાતું નથી.
ગમ બીજો કોઈ નથી કે હૃદયમાં કોઈ સરગમ વાગતી નથી,
મારો સંસાર બીજું કાંઈ નથી કે આ બ્રહ્માંડમાં હજી વ્યાપ્ત નથી.
દુવિધા બીજી કોઈ નથી કે મંઝિલ હજી પમાતી નથી,
વિશ્વાસ બીજો કોઈ નથી કે ચરણોમાં જ નિરાંતના શ્વાસ મળે છે.
એકલતા બીજી કોઈ નથી કે તને હજી અલગ ગણુ છું,
મારું ધ્યેય બીજું કાંઈ નથી કે તારા પ્રેમમાં જ હું મટી જાઉં છું.
- ડો. હીરા