શું તને ફરિયાદ કરું, ફરિયાદ જેવું કાંઈ રહ્યું નથી,
શું તારી પાસે માગું, આપ્યા વિના તું રહ્યો નથી.
શું તારી ઓળખાણ માગું, એને ત્યજ્યા વિના હું રહ્યો નથી,
શું તારી પહેચાન માગું, તારા વિના મારું અસ્તિત્વ નથી.
શું આધ્યાત્મિક અનુભવ માગું, અહંકાર જગાડ્યા વિના રહેતા નથી,
શું મુક્તિની ઈચ્છા કરું, તારા પ્રેમમાં બાંધ્યા વિના તું રહેતો નથી.
શું દિવ્ય આભાસ માગું, અંતરમાં ઊતાર્યા વિના તું રહેતો નથી,
શું આશીર્વાદ તારી પાસે માગું, સર્વગુણ આશીર્વાદ આપ્યા વિના તું રહેતો નથી.
શું તારી સાથે લેણદેણ કરું, જે મારી પાસે છે એ તારું જ તો છે,
શું તારી પાસે સવાલ કરું, જ્યારે હર જવાબ પહેલેથી પ્રભુ તે આપેલા છે.
- ડો. હીરા