શું મળશે સેવા કરીને, જ્યાં ભાવ શુદ્ધ નહીં હોય,
શું મળશે દાન આપીને, જ્યાં આપવાની ભાવના શુદ્ધ નહીં હોય.
શું થશે જ્ઞાન પામીને, જ્યાં એ અમલમા નહીં મૂકી શકાશે,
શું થશે ચિંતન કરીને, જ્યાં એ ચિંતાનું કારણ બની જાય.
શું થશે ધર્મ પાળીને, જ્યાં કોઈને અપનાવી ના શકાય,
શું થશે ઈચ્છા ત્યજીને, જ્યાં અફસોસ એનો રહી જાય.
શું થશે દિશા બદલીને, જ્યાં મનમાં અભાવ એમ જ રહી જાય,
શું થશે માયા વિસરીને, જ્યાં માયાની લાલસા હજી બાકી છે.
શુ થશે મનુષ્ય દેહ પામીને, જ્યાં વૃતિઓ પ્રાણી જેવી હોય,
શું થશે પ્રવચન સાંભળીને, જ્યાં ચિત્ત હજી માયામાં રમે છે.
શું થશે પ્રભુનું નામ લઈને, જ્યાં મન ભટકતું હોય,
શું થશે આ બધું લખીને, જ્યાં સમજવાવાળા કોઈ નહીં હોય.
- ડો. હીરા