પ્રેમથી કોઈ પરે નથી, પ્રેમમાં કોઈ બંધાતું નથી
પ્રેમથી કોઈ અજાણ નથી, છતાં પ્રેમને હરકોઈ ગોતે છે
પ્રેમમાં કોઈ ડૂબતું નથી, પ્રેમમાં હરકોઈ પોતાની જાતને ભૂલી જાય છે
પ્રેમ હરકોઈ ચાહે છે, ચાહતને પ્રેમ સમજી બેસે છે
પ્રભુને પ્રેમ જે કરે, તે તો દીવાનો થાય છે, મગ્ન એ તો બની જાય છે
સૂધબૂધ ભૂલી જાય છે, પોતાની જાત ને ભૂલી જાય છે
ન કોઈ ગમ સતાવે, ન કોઈ તકલીફમાં રહે, તે તો સદૈવ ખુશ રહે
નવું-નવું હર પળ લાગતું જાય છે, પ્રભુ મિલનની પ્યાસમાં રહે છે
દુનિયા ફીકી લાગે છે, હરકોઈમાં પ્રભુ દેખાય છે
મોહ અને પ્યાર નું અંતર સમજાય છે, દિલનું શુદ્ધીકરણ થતું જાય છે
પરમ આનંદનો અનુભવ કરાવે છે, પરમ જ્ઞાનથી તમને ભરી નાખે છે
તમને તમારો સંકોચ ભુલાવે છે, એક્તાનો અનુભવ કરાવે છે
પ્રભુનાં દર્શન કરાવે છે, પ્રભુના પ્રેમનો અનુભવ કરાવે છે
પ્રભુ સાથે તમારું જોડાણ કરે છે, બીજાં બધાં જોડાણને ભુલાવે છે
તમને પૂર્ણ બનાવે છે, પૂર્ણતા સાથે મિલન કરાવે છે
- ડો. હીરા