દુનિયાની રીત તો આવી જ છે, દુનિયાની રીત તો ટેઢી છે
પોતાનો વિચાર પહેલાં કરે, સ્વાર્થમાં પોતાને પહેલાં સાચવે
ચાલે છે પ્રભુને મળવા, પણ પોતાનો વિચાર છૂટતો નથી
પ્રભુમિલનની આશ રાખે, પણ ખુદની સંભાળ છૂટતી નથી
કેદ રહે પોતાના મોહમાં, ત્યાગ કંઈ આપવો નથી
બલિદાન પ્રભુનું ચાહે એ તો, પ્રેમ પ્રભુને નિઃસ્વાર્થ કરતો નથી
મેવા જોઈએ પ્રભુ પાસેથી, પ્રયત્ન પોતાના કરવા નથી
હરવાતનો નિવેડો માગે પ્રભુ પાસેથી, પ્રભુને હર વાત કરવી નથી
છેતરે છે પોતાની જાતને, પ્રભુથી કાંઈ છૂપું રહેતું નથી
વંચિત રાખે એ તો પોતાની જાતને, વંચિત કાંઈ પ્રભુ રહેતો નથી
પોતાના જ મિલનને દૂર કરે, પ્રભુ કાંઈ દૂર રહેતો નથી
માયામાં જીવ તણાયો છે, જંજાળમાંથી બહાર આવવું નથી
દુર્ભાગ્ય એનું કે પ્રભુનો સાથ મળ્યા છતાં પણ પ્રભુને પામ્યા નથી
- ડો. હીરા