પરમ શક્તિની પરમ ભક્તિ તો, સાધના કરવાથીએ થતી નથી;
પરમ પ્રેમની અનુભૂતિ તો, હોશમાં થઈને થતી નથી.
નિર્જીવમાં પ્રાણ ભરવા, એવી તમન્ના કોઈ રાખી નથી;
આરોગ્યમાં સદૈવ રહેવું, એવી લાલચ પણ રાખી નથી.
એ સત્તામાં મારી સત્તા ચલાવું, એવી કોઈ અભિલાષા નથી;
હર નામમાં મારું પણ એક નામ, એવી કોઈ લાલસા રાખી નથી.
સત્યના માર્ગે, કોઈ પથ્થર પણ ન ટકરાય, એવી તમન્ના રાખી નથી;
ફરિયાદમાં ન જીવવું, સદૈવ તારામાં તલ્લીન રહું, એવું માગ્યા વગર પણ થાય છે.
હર કોશિશ કામિયાબ બને, ને હર કોશિશમાં હું રહું, એવી જિજ્ઞાસા રાખી નથી;
મારા પછી મારો વંશજ ચાલે, એવી ભ્રમણા કોઈ કરી નથી.
પ્રભુમાં એક થઉં, એની કૃપા વગર થતું નથી.
- ડો. હીરા