મારા જીવનની તૈયારી મેં કરી નથી
મારા પ્રેમની મુલાકાત હજી થઈ નથી
મારા વિશ્વાસની પરાકાષ્ઠા હજી જોઈ નથી
પ્રભુ, તને મળવાની આશ હજી પ્રબળ થઈ નથી
મારી મુર્ખાઈના પ્રદર્શન હજી પૂરા થયા નથી
મારા વાદ-વિવાદની ચર્ચા હજી બંધ થઈ નથી
મારી ઈચ્છાના જોર હજી ઓછા થયા નથી
પ્રભુ, મારી જાતને છેતરવાનું હજી બંધ કર્યું નથી
મારા સંકોચના પરદા હજી ખુલ્યા નથી
મારા વેરના ભાવ હજી મેં ત્યજ્યા નથી
મારા વિચારોની ધારા હજી સરળ થઈ નથી
પ્રભુ, મારી ઓળખાણ હજી મેં કરી નથી
મારી મુક્તિના માર્ગ હજી મળ્યા નથી
મારા કર્મોના ખેલ હજી પૂરા થયા નથી
મારા જીવનની ડોર હજી મેં સોંપી નથી
પ્રભુ, તારા આવકારને મેં હજી સાંભળ્યો નથી
મારા અકારણ ભાવોને રોક્યા નથી
મારા ચિત્તને તારી સાથે જોડ્યું નથી
મારા વ્યવહારને હજી શુદ્ધ કર્યો નથી
પ્રભુ, હજી મેં તને ઓળખ્યો નથી
સાચો પ્રેમ હજી જાણ્યો નથી
નિર્બળતા હજી હરી નથી
મારા મનના ઉપાડ઼ા હજી શાંત થયા નથી
પ્રભુ, તારા-મારા વચ્ચેની દૂરી હજી સમાપ્ત થઈ નથી
જીવનની લાલસા હજી ગઈ નથી
શરીરભાન હજી ભુલાયું નથી
પોતાનાને હજી મેં ઓળખ્યા નથી
પ્રભુ, લાગણીથી ઉપર હજી ઉઠ્યો નથી
આવા મારા ચક્રવ્યૂહમાં હું ફસાયો છું
મારા પ્રેમથી હું વિસરાયો છું
તારી સામે હું અટવાયો છું
પ્રભુ, પ્રાર્થના મારી તને કરું છું
દર્પણ મારું તને દેખાડું છું
મારી છબી તને બતાડું છું
તારી મદદ હવે માગું છું
તને તો હવે પ્રભુ બધું સોપું છું
- ડો. હીરા