જીવનમાં સવાલોના ઉત્તર માંગીએ છીએ, દિલના હાલ કહીએ છીએ;
સંકોચમાં સોચને બાંધીએ છીએ, મૂંઝવણમાં ગહેરાઈને માપીએ છીએ.
ઇચ્છાઓના ઘોડા દોડાવીએ છીએ, પછી પ્રેમમાં શંકા કરીએ છીએ;
પ્રભુનું માર્ગદર્શન માંગીએ છીએ, પ્રભુની રાહ ઉપર ચાલવા માંગીએ છીએ.
ઉત્તર તરત માંગીએ છીએ, પ્રભુ સાથેનું મિલન માંગીએ છીએ;
પણ સમય સમયનો કાળ છે, સમય પહેલાં બેહાલ છે.
સમય પર જ ઉત્તર મળે છે, સમય પહેલાં તૈયારી થાય છે;
વિકાસ તોય આપણો થાય છે, પ્રભુમિલન માટેની તૈયારી થાય છે.
સમજાય નહીં જ્યારે કાંઈ, પ્રભુને સોંપી દેવું એ ફરજ બને છે;
ધ્યાન એ સર્વનું સદાય રાખે છે, તમારી બધી અરજ એ તો સાંભળે છે.
મૌન એની વાણી સંભળાતી નથી, પણ દિલમાં ચેન તો એ આપે છે;
ધીરજ આપણી પાસે માગે છે, ધીરજના ફળ મીઠાં આપે છે.
ચંચળતા મનની સ્થિર કરે છે, તમને ફળને અનુરૂપ બનાવે છે;
વિશ્વાસ તમારો જગાડે છે, પછી ફરિયાદ શાની તમને આવે છે.
પ્રભુની વાણી સમજાતી નથી, સત્ય કાંઈ બદલાતું નથી;
રસ્તા અલગ અલગ દેખાય તમને, વિશ્વાસ કાંઈ બદલાતો નથી.
નવી સોચમાં નવો રસ્તો, એમાં લાગે તને કે તું ફસાતો;
પણ લઈ જાય છે એ તો તમને, બસ હસતો ને હસતો.
ન મૂંઝા તું, ન સંકોચા તું, માર્ગ એ તો કાઢશે;
તારી અંદર પણ એ જ વસે છે, પછી રસ્તો તો એ જ કાઢશે.
રસ્તો મળશે તને તારી અંદર, પ્રભુનાં દર્શન થશે તને તારી અંદર;
રાખ વિશ્વાસ આ વાત ઉપર, હર સવાલનો ઉત્તર છે તારી અંદર.
- ડો. હીરા