વિસ્તારમાં કહું કે એક શબ્દમાં કહું, સત્ય બદલાતું નથી
મોટા શબ્દોમાં કહું કે આંખોના ઇશારામાં કહું, સત્ય બદલાતું નથી
હલાવી હલાવીને કહું, કે નિંદરના સ્વપ્નામાં કહું, સચ્ચાઈ બદલાતી નથી
અહેસાસ મારો કરાવું, કે તને મારામાં એક કરું, જે સત્ય છે એ બદલાતું નથી
વેદમાં કહું, કે ગીતામાં કહું, કુરાનમાં કહું કે બાયબલ માં કહું, સત્ય એ સત્ય છે
માનવતામાં કહું કે દિવ્ય દ્રષ્ટિથી કહું પણ સત્ય બદલાતું નથી
આ બદલતી સૃષ્ટિમાં કહું, કે છલકતા જામ સાથે કહું, સત્ય એ સત્ય છે
મારા અસ્તિત્વમાં રમાડું, કે માયામાં મને વિસરાવું, સત્ય બદલાતું નથી
જીવનનો સાર સમજાવું કે જીવન જીવતા શિખવાડું, પણ વિશ્વ એ બદલાતું નથી
અંદ્વૈતમાં કહું કે દ્વૈતમાં ભેદ પાડું, પણ સત્ય છે કે હું જ છું
કર્મની લાઠી પડે કે નિષ્કામ કર્મ કરાવું, સત્ય મારું એક જ છે
સત્યમાં તત્વ સમજાવું કે સત્યમાં દર્શન કરાવું, સત્ય તો એ જ છે
મારાથી કંઈ જુદું નથી, હું એ જ છું, હું જ છું
એ જ તો છે, એ જ તો છે, બીજું કંઈ છે જ નહીં, બીજું કંઈ છે જ નહીં
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.