ભાગમાં ભાગ કરવાથી કાંઈ નહીં મળે,
જ્યાં સુધી વિચારોમાં શુદ્ધતા નહીં હોય, કાંઈ નહીં મળે.
કર્મો કરવાથી કાંઈ નહીં મળે,
જ્યાં સુધી એ પાછળના ભાવ શુદ્ધ નહીં હોય, કાંઈ નહીં મળે.
દેખાડો કરવાથી કાંઈ નહીં મળે,
જ્યાં સુધી બઘાને અપનાવવાનો ભાવ નહીં હોય, કાંઈ નહીં મળે.
વિશ્વાસ કરવાથી કાંઈ નહીં મળે,
જ્યાં સુધી એમાં સમર્પણ નહીં હોય, કાંઈ નહીં મળે.
પુસ્તકો વાંચવાથી કાંઈ નહીં મળે,
જ્યાં સુધી એ અંતરમાં ઉતારી પરિવર્તન ના લાવે, કાંઈ નહીં મળે.
વિવેકી થઈને કાંઈ નહીં મળે,
જ્યાં સુધી એમાં કૃતજ્ઞતાના ભાવ નહીં ભળે, કાંઈ નહીં મળે.
પ્રેમ કરવાથી કાંઈ નહીં મળે,
જ્યાં સુધી પોતાની જાતને ભૂલવાની તેયારી નથી, કાંઈ નહીં મળે.
ધ્યાનમાં બેસીને કાંઈ નહીં મળે,
જ્યાં સુધી અંતરધ્યાન નહીં થાય, કાંઈ નહીં મળે.
અનુભવથી કાંઈ નહીં મળે,
જ્યાં સુધી એને સુધારીએ નહીં, કાંઈ નહીં મળે.
માળા જપવાથી કાંઈ નહીં મળે,
જ્યાં સુધી એમાં પ્રભુનું સ્મરણ નહીં હોય, કાંઈ નહીં મળે.
ઘર છોડ઼વાથી કાંઈ નહીં મળે,
જ્યાં સુધી ઈચ્છાઓ બાકી છે, કાંઈ નહીં મળે.
પ્રવચન સાંભળવાથી કાંઈ નહીં મળે,
જ્યાં સુધી વિચારોમાં શુદ્ધતા નહીં આવે, કાંઈ નહીં મળે.
ગુસ્સો કરવાથી કાંઈ નહીં મળે,
પરિસ્થિતીને સહન કરવાની શક્તિ નહીં હોય, કાંઈ નહીં મળે.
ભવિષ્યનો વિચાર કરવાથી કાંઈ નહીં મળે,
જ્યાં સુધી વર્તમાનને જીવતા નહીં આવડે, કાંઈ નહીં મળે.
જે પણ કરો છો એમાં કાંઈ નહીં મળે,
જ્યાં સુધી ધ્યેયમાં વિશુદ્ધતા નહીં હોય, કાંઈ નહીં મળે.
- ડો. હીરા