સંભાવના એ છે કે હર એક સ્થિતિ સુધરશે. આ આશા લઈને જ જીવનમાં આગળ વધાય છે. પણ હકીકત એ છે, કે આ સંભાવના પર આપણે વિશ્વાસ નથી કરતા. વારંવાર એક પ્રશ્નમાં જ અટકી જઈએ છીએ, કે આ થશે કે નહીં. આવી આશ ક્યારેય સફળ થતી નથી. જ્યાં વિશ્વાસ છે, ત્યાં જ બધું થઈ શકે છે.
મુર્ખતા એ છે, કે વિશ્વાસમાં ચાલતા આવડતું નથી. છતાં વિશ્વાસના આધારે ચાલીએ છીએ, એવું માનીયે છીએ. જે વિશ્વાસના આધારે ચાલે છે, એને કોઈ દિવસ શંકા હોતી નથી. એને ફળ સાથે પણ લેવા-દેવા નથી. પરિણામ જે પણ હશે, પણ એને એ પૂર્ણ જ્ઞાન છે કે એ ભલા માટે છે.
વિશ્વાસ એ નથી કે મન ચાહ્યું પરિણામ મળે. વિશ્વાસ એ છે, કે જે સર્વ પ્રર્થમ કલ્યાણકારી છે એ જ થશે. મન ચાહ્યું પરિણામની આશ લઈને ચાલવું, એ તો ઈચ્છા તૃપ્તિનું સાધન છે. એમાં સ્વાર્થ ભળ્યો હોય છે. એમાં બંધનો હોય છે અને નિરાશા સાથે જોડાએલી છે.
વિશ્વાસ તો પૂર્ણ જ્ઞાનમાં ચાલવાની ચાવી છે. એમાં કોઈ સ્વાર્થ નથી હોતો. એ ખાલી એક પૂર્ણ સમર્પણમાં ચાલે છે અને વિશ્વનું જ કલ્યાણ માગે છે. એમાં કોઈ નિજ-સ્વાર્થ નથી હોતો. એટલે જ તો સંતો કહે છે, કે વિશ્વાસમાં રહો, આનંદમાં રહો. વિશ્વાસ એ સિડી છે જે વિશ્વરૂપી આ બ્રહ્માંડમાં પ્રભુના શ્વાસ લેવડાવે છે. જે સાચી રીતે વિશ્વાસને સમજે છે, એને કોઈ દિવસ ફરિયાદ નથી હોતી. જે સારી રીતે પ્રેમને સમજે છે, એને કોઈ દિવસ વિશ્વાસની કમી નથી હોતી.
વિશ્વાસને સમજવું, એટલે પોતાની અંદર ઊંડાણમાં ઉતરવું અને જાણવું, કે વિશ્વાસ છે કે પછી ઈચ્છાપૂર્તિનું સાધન છે, વિશ્વાસ છે કે પછી શંકા ભરેલા પ્રશ્નો છે. જેને વિશ્વાસ છે, એ અમૂલ્ય વ્યવહારને સમજે છે, વિનમ્રતાને અપનાવે છે અને કૃતજ્ઞતામાં રહે છે. વિશ્વાસ છે, ત્યાં કૃતજ્ઞતા તો છે જ. અગર કૃતજ્ઞતા નથી તો ખાલી અહંકારના નાચ છે, જે ભ્રમમાં નાખે છે કે વિશ્વાસ છે
પોતાની જાતને ચકાશો, ઈશ્વરને સારી રીતે સમજો, ગુરુકૃપાનાં આભારી રહો, પ્રેમમાં સતત રમો અને આજ્ઞાનું પાલન કરો, તો પછી પ્રેમ રહેશે અને વિશ્વાસ ટકશે.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.